પ્રિય વિદ્યાર્થી મિત્રો,
આજકાલ આપણી ચારેય તરફ જ્યાં જુઓ ત્યાં વિદ્યાર્થીઓ હાથમાં પુસ્તકને બદલે મોબાઇલ કે કોમ્પ્યુટર, લેપટોપ વગેરે સાથે જ દેખાય છે. વિદ્યાર્થીઓમાં ગેમ્સનું વળગણ ખૂબજ લાગેલું દેખાય છે. પરંતુ આ માટે જવાબદાર કોણ? વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ એટલાં જ જવાબદાર છે.
બાળકો માટે મા-બાપ તેમના આઇડલ હોય છે. બાળકો દરેક વાતમાં પોતાના માતા-પિતાની નકલ કરતા જોવા મળે છે. જો મા-બાપ મોબાઇલ કે કોમ્પ્યુટર કે લેપટોપનો વધુ પડતો ઉપયોગ ઘરમાં કરશે તો વિદ્યાર્થીઓ પણ તેમની નકલ કરવાનાં જ છે. આ માટે વાલીઓએ તેમની સામે મોબાઇલનો ઉપયોગ વધુ પડતો ટાળવો જોઈએ. વિદ્યાર્થીઓનાં માતા-પિતા જો આ પ્રકારની ચીજોથી દૂર થઈ જશે, તો વિદ્યાર્થીઓને દૂર થતા વધુ વાર નહીં લાગે.
અમદાવાદ, રાજકોટ સહિતનાં વિવિધ શહેરોમાં આ પ્રકારની ગેમ્સની સામે પોલીસ પણ કડક હાથે કામ લઈ રહી છે. પરંતુ માત્ર કાયદાથી આ વસ્તુને અટકાવી શકાશે ખરી? કાયદાનું શસ્ત્ર ઉગામવાથી વિદ્યાર્થીઓ આ પ્રકારની ગેમ્સ રમતાં બંધ થઈ જશે?
ના,
આ માટે વાલીઓએ પોતાનાં ઘરમાં એ પ્રકારનું વાતાવરણ ઉભું કરવું પડશે. જેથી બાળકો આ પ્રકારની ગેમ્સથી દૂર થાય. વાલીઓએ જો જરૂર ન હોય ત્યાં સુધી ઘરમાં મોબાઇલનો ઉપયોગ ટાળવો જોઈએ. જો મોબાઇલનો ઉપયોગ કરવો જ પડે તો ઇન્ટરનેટનો (ખાસ કરીને ફેસબુક કે વોટ્સએપ) ઉપયોગ ટાળવો જોઈએ. વધુમાં વધુ સમય બાળકો સાથે વાતો કરીને કે ઇન્ડોર ગેમ્સ રમીને વિતાવવો જોઈએ. જેથી બાળકોમાં આ પ્રકારની ગેમ્સનું ઘેલું ન લાગે.