અમદાવાદ કેરિયર
USAમાં નર્સિંગનો અભ્યાસ કરવા માટે જો આપ વિચારી રહ્યાં છો, તો આ સમાચાર આપના માટે ખૂબજ મહત્વના છે. ભારતતમાં વિદ્યાર્થીનીઓમાં નર્સિંગનો અભ્યાસ ખૂબજ પ્રખ્યાત છે. કેટલાંક વિદ્યાર્થીઓ પણ નર્સના કોર્સમાં એડમિશન લઈને પોતાની કારકિર્દી બનાવે છે. ભારતમાં નર્સ બનવા માટે ધોરણ-12માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષય હોવો જરૂરી છે. દેશમાં કેટલીય સંસ્થાઓ છે, જ્યાં બીએસસી નર્સિંગથી લઈને નર્સિંગમાં ડિપ્લોમાની ડિગ્રી આપવામાં આવે છે. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં મેડિકલના અભ્યાસ માટે વિદેશમાં જવાનું કલ્ચર શરૂ થયું છે. વિદેશ અભ્યાસ પાછળ કેટલાંક કારણો હોય છે. જેમાંથી આકર્ષક પગાર પણ એક મુખ્ય કારણ છે.
ભારતના મોટાભાગના વિદ્યાર્થીઓ મેડિકલના અભ્યાસ માટે યૂક્રેન, રશિયા, જ્યોર્જિયા જેવા દેશોમાં જાય છે. પરંતુ USA પણ મેડિકલના અભ્યાસ માટે બેસ્ટ ડેસ્ટિનેશન કહી શકાય તેમ છે. અહીં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ લાખોમાં સેલેરી પણ મળી રહે છે. એવું નથી કે અહીં માત્ર ડોક્ટરોની જ સેલેરી લાખોમાં હોય છે, પરંતુ નર્સને પણ ખૂબજ સારું પેકેજ મળી રહે છે. ભારતીય વિદ્યાર્થીઓ પણ અમેરિકામાં જઈને નર્સનો અભ્યાસ કરી શકે છે. આવો જાણીએ આ માટે શું કરવું પડે છે?
અમેરિકામાં ભારતીયો નર્સિંગનો અભ્યાસ કેવી રીતે કરી શકે?
ભારતમાં જ્યાં નર્સિંગમાં એડમિશન લેવા માટે 10+2માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયનો અભ્યાસ કરવો પડે છે. એવી જ રીતે અમેરિકામાં પણ નર્સના અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ સ્કૂલમાં મેથ્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીનો અભ્યાસ કરવાનો હોય છે. આવો જાણીએ, ભારતના વિદ્યાર્થીઓ કયા કોર્સમાં એડમિશન લઈને અમેરિકામાં નર્સિંગનો કોર્સ કરી શકે છે.
નર્સિંગના કોર્સમાં એડમિશન
નર્સિંગના અભ્યાસ માટે અમેરિકામાં ત્રણ પ્રકારના કોર્સ ચલાવવામાં આવે છે. જેમાં પહેલો ‘એસોસિએટ ડિગ્રી ઇન નર્સિંગ’ (ADN), જ્યારે બીજો ‘બેચલર ઓફ સાયન્સ ઇન નર્સિંગ’ (BSN) અને ત્રીજો નર્સિંગનો ડિપ્લોમા કોર્સ છે. અહીં આપણે માત્ર ADN અને BSNની વાત કરીશું. નર્સિંગના કામમાં જલ્દીથી એન્ટ્રી કરવા માટે ADN એકદમ પરફેક્ટ કોર્સ છે. બે વર્ષના અભ્યાસ બાદ વિદ્યાર્થીને ADNની ડિગ્રી મળી જાય છે. ADN ગ્રેજ્યુએટ્સ NCLEX-RN ટેસ્ટ માટે પણ માન્ય ગણાય છે.
પરંતુ બેચલર્સની ડિગ્રીનાં પણ અન્ય કેટલાંક ફાયદા છે. BSNમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને ચાર વર્ષ સુધી એડવાન્સ થિયરિકલ અને ક્લિનિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે. BSNનો સૌથી મોટો ફાયદો એ છે કે, આ અભ્યાસ કરનાર વિદ્યાર્થી ક્લિનિકલ અને મેનેજરિયલ એમ બંને પ્રકારના રોલમાં કામ કરી શકે છે. BSN ગ્રેજ્યુએટ્સનો પગાર પણ ADN માં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓની સરખામણીએ વધુ હોય છે.
નર્સિંગમાં લાયસન્સિંગ એક્ઝામ
નર્સનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને નર્સિંગ લાઇસેન્સિંગ એક્ઝામ આપવી પડે છે. જેમાં ‘નેશનલ કાઉન્સિલ લાઇસન્સ એક્ઝામિનેશન’ (NCLEX)માં રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. નર્સિંગ રેગ્યુલેટરી બોડી (NRB) પરીક્ષા આપવા માટેની યોગ્યતા નક્કી કરે છે. એક વાર જો NRB વિદ્યાર્થીને પરીક્ષા માટે યોગ્ય જાહેર કરી દે છે, તો તેને ‘ઓથોરાઇઝેશન ટૂ ટેસ્ટ’ (ATT)નો ઇમેઇલ મળશે. ATT સામાન્ય રીતે 90 દિવસ માટે માન્ય હોય છે. આ દરમ્યાન વિદ્યાર્થીએ NCLEX ટેસ્ટ આપીને પોતાનું લાયસન્સ મેળવી લેવાનું હોય છે.
સ્ટેટ લાયસન્સ મેળવવું
NCLEX ટેસ્ટ પાસ કર્યા બાદ વિદ્યાર્થીએ તે રાજ્યમાં નર્સિંગ લાયસન્સ માટે અરજી કરવાની હોય છે, જ્યાં તે કામ કરવા માંગે છે. દરેક રાજ્યનાં પોતાના નર્સિંગ બોર્ડ હોય છે અને વિદ્યાર્થીઓને તેના યોગ્યતાના માપદંડને પૂરા કરવાના હોય છે. જરૂરી દસ્તાવેજો સાથે રાજ્ય નર્સિંગ બોર્ડને પોતાની અરજી આપવાની હોય છે. ડોક્યુમેન્ટ્સ વેરિફાઈ કર્યા બાદ જ્યારે બોર્ડ ચેક કરી લેશે કે, આપને લાયસન્સ આપી શકાય તેમ છે, તો તે આપને નર્સિંગનું લાયસન્સ આપી દેશે. ત્યારબાદ જલ્દીથી એક સારી નોકરી શોધો અને ત્યાં અરજી કરી દો.
અમેરિકામાં કેટલો હોય છે નર્સનો પગાર
બ્યૂરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ અનુસાર, અમેરિકામાં એક નર્સનો વાર્ષિક પગાર 86,070 ડોલર (લગભગ 72 લાખ રૂપિયા) હોય છે. અમેરિકામાં નર્સનો લઘુત્તમ પગાર 63,720 ડોલર (53 લાખ રૂપિયા) હોય છે. અને મહત્તમ સેલેરીની વાત કરો તો તે લગભગ 1,32,680 ડોલર (1.11 કરોડ રૂપિયા) સુધી હોય છે.
ભારતમાં મેડિકલનો ખર્ચાળ અભ્યાસ પણ એક કારણ
ભારતમાં મેડિકલનો અભ્યાસ કરવો એ લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે. હાલમાં ભારતમાં ચાલતા મેડિકલ અભ્યાસક્રમોની ફી ખૂબજ વધુ હોય છે. જેનાં કારણે પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ વિદેશમાં કરવા માટે વિચારતા હોય છે.