સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ને લગતી પરીક્ષાઓની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પરીક્ષાને અંગે સ્કૂલો માટે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. જે મુજબ તે જ સ્કૂલોમાં બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે જેના વર્ગોમાં હાઈક્વોલિટી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોય. સીસીટીવી કેમેરાની મદદથી પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓનું ધ્યાન રાખવામાં આવશે.
અમદાવાદ કેરિયર
CBSEએ વર્ષ 2025માં આયોજિત થનાર ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા બોર્ડ પરીક્ષાઓ અંગેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ વખતે બોર્ડ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનું નિરીક્ષણ હાઈક્વોલિટી સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવશે. આ સાથે જ CBSEએ કહ્યું છે કે, એ જ સ્કૂલોને પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવશે જેમાં સીસીટીવી કેમેરા લાગેલા હશે. હજી સુધી સીસીટીવી કેમેરાની કોઈ અનિવાર્યતા ન હતી.
પેપર લીકને લીધે કરવામાં આવ્યો નિર્ણય
સીસીટીવી કેમેરાની અનિવાર્યતા છેલ્લી કેટલીક પરીક્ષાઓમાં થયેલ પેપર લીકને લઈને જાહેર કરવામાં આવી છે, જેથી પરીક્ષાઓમાં કોપી ન થઈ શકે અને પરીક્ષાઓનું સફળ આયોજન થઈ શકે.
દરેક વિદ્યાર્થી પર રહેશે નજર
સીબીએસઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે, સીસીટીવી એવા હોવા જોઈએ, જેના દ્વારા વર્ગખંડમાં હાજર દરેક વિદ્યાર્થીનું ધ્યાન રાખી શકાય. જરૂર પડ્યે ઝૂમ કરીને કોઈ વિદ્યાર્થીની ગતિવિધિ જાણી શકાય. કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને આ કેમેરાની ઉપસ્થિતિ બાબતે પહેલેથી જાણ કરી દેવામાં આવશે.
શાળાઓએ આ નિયમોનું રાખવું પડશે ધ્યાન
- પરીક્ષાખંડના નિરીક્ષણનું રેકોર્ડિંગ રિઝલ્ટ જાહેર થયાના બે મહિના બાદ સુધી સુરક્ષિત રાખવું પડશે.
- 10 પરીક્ષા કક્ષ પર એક નિરીક્ષકની નિયુક્તિ અનિવાર્ય રહેશે.
- પરીક્ષા દરમ્યાન પૂર્ણસમય માટે નિરીક્ષક સીસીટીવી દ્વારા વર્ગખંડોનું નિરીક્ષણ કરશે.
- કોઈપણ પ્રકારની સમસ્યા અથવા ગરબડ થવા પર કેન્દ્રના અધ્યક્ષને તરત જ બોલાવીને જાણ કરવામાં આવશે.
4 ઓક્ટોબર સુધી ભરી શકાશે ફોર્મ
સીબીએસઈ દ્વારા હાલમાં ધોરણ 10 અને 12 માટેની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. જે વિદ્યાર્થીઓએ હજી સુધી બોર્ડની પરીક્ષાઓ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, તેઓ પોતાની સ્કૂલની મદદથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. કેમકે, બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત થવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોય છે.