વિદેશ અભ્યાસ કરવા માટે ખૂબજ પૈસા ખર્ચ કરવા પડે છે. યૂનિવર્સિટીની ફી લાખો રૂપિયામાં હોય છે, તો રહેવા-ખાવા પર પણ ખૂબજ મોટી રકમ ખર્ચ થાય છે. આના પર હાલમાં જ એક રિપોર્ટ આવ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે, દર વર્ષે ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માટે કેટલા રૂપિયા ખર્ચ કરે છે.
અમદાવાદ કેરિયર
વિદેશમાં અભ્યાસ કરવાનો ક્રેઝ દર વર્ષે વધી રહ્યો છે. કોવિડ દરમ્યાન ફ્લાઇટ પર પ્રતિબંધ હોવાને લીધે આમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ છેલ્લાં બે વર્ષોથી સ્થિતિ સામાન્ય થયા બાદથી જ દર વર્ષે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જવા લાગ્યા છે. વિદેશમાં અભ્યાસ માટે થતાં લાખો રૂપિયાના ખર્ચની વાત કોઈથી છાની નથી. હાલમાં સ્થિતિ એવી છે કે, દર વર્ષે ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે લાખો કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યા છે.
2023-24 માટે ‘ઇન્ડિયન સ્ટુડન્ટ્સ મોબિલિટી રિપોર્ટ’ પ્રમાણે, ભારતીય વિદ્યાર્થીઓએ 2023માં વિદેશમાં અભ્યાસ પાછળ લગભગ 60 અરબ ડૉલર (લગભગ પાંચ લાખ કરોડ રૂપિયા) ખર્ચ કર્યા. 2019માં ભારતીય વિદ્યાર્થીઓએ લગભગ 37 અરબ ડૉલર (લગભગ 3 લાખ કરોડ રૂપિયા) ખર્ચ કર્યા હતા. આ રીતે છેલ્લાં ચારથી પાંચ વર્ષ દરમ્યાન વિદેશમાં ભણવા માટે થતો ખર્ચ ડબલ થઈ ગયો છે. કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે પસંદગીનું ‘સ્ટડી અબ્રોડ ડેસ્ટીનેશન’ છે, જ્યાં ભણવા માટે લગભગ 11.7 બિલિયન ડૉલર ખર્ચ કરવામાં આવ્યા છે.
2025માં 5.8 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે ભારતીય વિદ્યાર્થીઓ
રિપોર્ટમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે, 2025માં ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે 70 અરબ ડૉલર, એટલે કે લગભગ 5.8 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. અહીં ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે દર વર્ષે વિદેશમાં અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે. 2022માં 11.8 લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે ગયા હતા. જ્યારે 2025માં આ સંખ્યા વધીને 15 લાખ જેટલી થઈ શકે છે. ચાલુ વર્ષે લગભગ 13 લાખ વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે.
કયા રાજ્યોમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે?
‘ઇન્ડિયન સ્ટુડન્ટ મોબિલિટી રિપોર્ટ’માં જણાવવામાં આવ્યું છે કે, વિદેશમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓમાં સૌથી મોટી સંખ્યા પંજાબના વિદ્યાર્થીઓની છે. ત્યારબાદ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ/તેલંગાના, ગુજરાત, તામિલનાડુ અને દિલ્હીનો નંબર આવે છે. કેનેડામાં ખાલી પંજાબના વિદ્યાર્થીઓએ જ 3.7 અરબ ડૉલર (30 હજાર કરોડ રૂપિયા) ખર્ચ કર્યા છે.
કેનેડામાં મોટાભાગના વિદ્યાર્થીઓ પોસ્ટ સ્ટડી વિઝાને લીધે જાય છે. ત્યાં તેમને અભ્યાસ કર્યા બાદ સારી નોકરીની તકો મળી રહે છે. કેનેડામાં 2022માં 2.80 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. 2025માં આ સંખ્યા વધીને 3.49 લાખ થઈ શકે છે. કેનેડા સિવાય જર્મની, આયર્લેન્ડ અને ન્યુઝીલેન્ડ પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે પસંદગીના સ્થળો છે.