NCERTએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર JEE-NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ‘સાથી’ યોજનાની શરૂઆત કરી છે. આ પોર્ટલ પર વિદ્યાર્થી પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓનાં પ્રોફેસર, સબ્જેક્ટ એક્સપર્ટ અને ત્યાંના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કોઈપણ પ્રકારની ફીસ ચૂકવ્યા વગર મેળવી શકે છે.
અમદાવાદ કેરિયર
એન્જીનિયરિંગ, મેડિકલ, બેન્કિંગ, એસએસસી સહિત JEE-NEET જેવી કેટલીય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે હવે વિદ્યાર્થીઓએ ભારે ફી નહીં ચૂકવવી પડે. નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સેલ્ફ એસેસમેન્ટ ટેસ્ટ એન્ડ હેલ્ફ ફોર એન્ટ્રન્સ એક્ઝામ (SATHEE) યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા વિદ્યાર્થીઓ IIT-JEE, NEET, SSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકશે.
NCERTએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર આ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ‘સાથી’ યોજનાની શરૂઆત કરી છે. આ પોર્ટલ પર વિદ્યાર્થી પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓનાં પ્રોફેસર, સબ્જેક્ટ એક્સપર્ટ અને ત્યાંના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કોઈપણ પ્રકારની ફીસ ચૂકવ્યા વગર મેળવી શકે છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પોર્ટલનો લાભ ઉઠાવી શકે છે.
સાથી પોર્ટલ શું છે?
‘સાથી’ પોર્ટલ એક ઓનલાઇન પ્લેટફોર્મ છે જે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે શિક્ષણ સામગ્રી, વિડીયો લેક્ચર, મૉક ટેસ્ટ અને નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડે છે. જેનો હેતુ મોંઘા કોચિંગ સેન્ટરો પર વિદ્યાર્થીઓની નિર્ભરતા ઓછી કરવાનો છે અને દરેક પ્રકારના વિદ્યાર્થીઓ માટે રિસોર્સ સુધી પહોંચ બનાવવાનો છે. આ પહેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ દરેક વિદ્યાર્થી માટે શિક્ષણ સુધી તેમની પહોંચ બનાવવા માટે સરકાર દ્વારા કરાતા પ્રયાસોનો એક હિસ્સો છે.
NCERT દ્વારા ‘સાથી’ની પહેલ આઈઆઈટી, કાનપુર સાથે મળીને કરવામાં આવી છે. સાથી પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યા બાદ આઈઆઈટી, આઈઆઈઆઈટી, એનઆઈટી તથા એમ્સના પ્રોફેસર તથા અલગ અલગ વિષયોના એક્સપર્ટ્ ટીચર તથા ત્યાં ભણતા વિદ્યાર્થીઓને સવાલ પૂછી શકાય છે. આ સુવિધા હિન્દી, અંગ્રેજી, તેલુગુ, મરાઠી સહિત કેટલીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.
એનસીઈઆરટીની આ સુવિધાનો ફાયદો રવિવાર તથા જાહેર રજાઓને છોડી અન્ય દિવસોમાં ઉઠાવી શકાય છે. સવારે 10 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પોર્ટલ પર રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓને કોચિંગની સુવિધા પૂરી પાડવામાં આવશે. એનસીઈઆરટીએ પોતાની વેબસાઇટ પર તેની સૂચના આપી છે.