એજ્યુકેશન લોન વિદ્યાર્થીઓને હાયર એજ્યુકેશન માટે મદદરૂપ થાય છે. એજ્યુકેશન લોન લેવા માટે તેની તમામ પ્રકારની માહિતી હોવી જરૂરી છે. એજ્યુકેશન લોનની કાર્યવાહીને પહેલાં કરતાં ખૂબજ સરળ અને સુવિધાજનક બનાવવામાં આવી છે. આવો જાણીએ એજ્યુકેશન લોન માટે કેવી રીતે એપ્લાય કરી શકાય
અમદાવાદ કેરિયર
ઘણીવાર એવું બને છે કે મનપસંદ કારકિર્દી બનાવવા માટે નાણાકીય સમસ્યા વિઘ્નરૂપ બને છે. વિદ્યાર્થી કે તેના પરિવાર પાસે એટલા પૈસા નથી હોતા કે તે સંસ્થાની મોંઘીદાટ ફી ચૂકવી શકે. સંસ્થાઓની મોંઘી ફીને કારણે કેટલાંય વિદ્યાર્થીઓ પોતાના સપનાને પૂરા નથી કરી શકતા. એવામાં એજ્યુકેશન લોન તેમના માટે ખૂબજ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ લોન મેડિકલ, એન્જીનિયરિંગ, મેનેજમેન્ટ જેવા કોર્સમાં સહાયરૂપ બને છે, એટલું જ નહિ, પરંતુ વિદેશ અભ્યાસ માટેના વિદ્યાર્થીના સ્વપ્નને સાકાર કરવામાં પણ મદદરૂપ થાય છે.
જો આપ એજ્યુકેશન લોન લેવાનો વિચાર કરી રહ્યાં છો, તો તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ અને અરજીની પ્રક્રિયા અંગેની માહિતી હોવી જરૂરી છે. આવો જાણીએ કે એજ્યુકેશન લોન માટે કયા-કયા દસ્તાવેજોની જરૂર પડે છે.
એજ્યુકેશન લોન એ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય છે, જે વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ કરવામાં મદદ કરે છે. આ લોન ટ્યુશન ફી, બોર્ડિંગ ચાર્જ, પ્રવાસ ખર્ચ વગેરે જેવા ખર્ચને કવર કરી શકે છે, જે વિદ્યાર્થીઓને અભ્યાસ દરમ્યાન કરવા પડે છે. ફ્લેક્સિબલ પેમેન્ટ ઓપ્શન અને મોરેટોરિયમ પીરિયડ (અભ્યાસ પૂર્ણ થયા બાદ કેટલાંક સમય સુધી ન ચૂકવવાની સુવિધા)ને લીધે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. અને નોકરી મળ્યા બાદ લોન ચૂકવવાનું શરૂ કરી શકે છે.
-
કેટલાં પ્રકારની હોય છે એજ્યુકેશન લોન
1. અન્ડરગ્રેજ્યુએટ લોનઃ હાઈસ્કૂલ પૂર્ણ કર્યા બાદ કોલેજમાં અભ્યાસ કરવા માટે અંડરગ્રેજ્યુએટ લોન લઈ શકાય છે.
2. પોસ્ટ ગ્રેજ્યુએટ લોનઃ અન્ડરગ્રેજ્યુએટનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આગળના અભ્યાસ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ લોન લઈ શકાય છે.
3. પ્રોફેશનલ એડવાન્સમેન્ટ લોનઃ કોઈ વિશેષ કૌશલ્ય, પ્રમાણપત્ર અથવા યોગ્યતા વધારવા માટેના ખાસ કોર્સ માટે આ લોન લઈ શકાય છે.
4. પેરેન્ટ્સ લોનઃ માતાપિતા પોતાના બાળકોના અભ્યાસ માટે આ લોન લે છે. જેથી તેમના અભ્યાસમાં મદદરૂપ થઈ શકાય.
એજ્યુકેશન લોનના ફાયદાઃ
1. ઉંચી લોન એમાઉન્ટઃ તેના દ્વારા આપ 1 કરોડ સુધીની લોન લઈ શકો છો.
2. ફ્લેક્સિબલ પેબેક ટેન્યોરઃ લોનની ચૂકવણી 15 વર્ષ સુધી કરી શકાય છે.
3. વર્લ્ડવાઇઝ કવરેજઃ એજ્યુકેશન લોન ભારત ઉપરાંત વિદેશમાં અભ્યાસ માટે પણ ઉપલબ્ધ થાય છે.
4. પ્રિ-વિઝા ડિસ્બર્સમેન્ટઃ કેટલીક લોન આપનાર કંપનીઓ વિદેશ અભ્યાસ માટે વિઝા મળ્યા પહેલાં જ લોનની અમુક રકમ આપી દે છે.
5. સરળ પ્રક્રિયાઃ દસ્તાવેજી પ્રક્રિયા ખૂબજ સરળ છે. અને કેટલીક બેંકો પોતાના એક્ઝીક્યુટિવને લોન લેનારના ઘરે મોકલીને પણ દસ્તાવેજ કલેક્ટ કરાવે છે.
6. વિશેષ લાભઃ મહિલા વિદ્યાર્થીઓને લાભ અને બેંક કર્મચારીઓના બાળકોને પ્રાથમિકતા મળે છે.
7. મોરાટોરિયમ ગાળોઃ કોર્સ પૂર્ણ થયા બાદ એક વર્ષ સુધી પણ કોઈ લોન ચૂકવવાની હોતી નથી.
8. ટેક્સ બેનિફિટઃ એજ્યુકેશન લોન પર વ્યાજની ચૂકવણીમાં આઠ વર્ષ સુધી ટેક્સમાં રાહત મળી શકે છે.
-
એજ્યુકેશન લોનની યોગ્યતા
એજ્યુકેશન લોન એ દરેક અભ્યાસક્રમો માટે ઉપલબ્ધ છે, જે સરકાર માન્ય છે. જેમકે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, ડિપ્લોમા, ટેકનિકલ, વ્યાવસાયિક અને કેરિયર કોર્સ. આ ઉપરાંત, અરજી કરનાર વિદ્યાર્થી સરકાર માન્ય કોલેજ અથવા વિદેશી યુનિવર્સિટીમાંથી પાસ થયેલ હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત માટે ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે વિદ્યાર્થી ધોરણ 12 પાસ હોવો જોઈએ અને પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે વિદ્યાર્થીએ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.
એજ્યુકેશન લોન માટે અરજી કેવી રીતે કરી શકાય?
એજ્યુકેશન લોન માટે ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને પ્રકારે અરજી કરી શકાય છે.
-
ઓનલાઇન અરજીઃ
1. સ્ટેપ-1 સૌથી પહેલાં આપની પસંદગીની બેંકની વેબસાઇટ પર જાઓ.
2. સ્ટેપ-2 વેબસાઇટ પર એજ્યુકેશન લોનના વિભાગને શોધીને તેને સિલેક્ટ કરો.
3. સ્ટેપ-3 અરજી ફોર્મમાં દરેક પ્રકારની માહિતી ભરો.
4. સ્ટેપ-4 આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ અને શૈક્ષણિક પ્રમાણપત્રો જેવા જરૂરી તમામ દસ્તાવેજો અપલોડ કરો.
5. સ્ટેપ-5 ત્યારબાદ બેંક આપની અરજીની ચકાસણી કરશે. દરેક દસ્તાવેજો સાચા હોવાની ખાતરી થયા બાદ બેંક લોનની રકમ આપના ખાતામાં જમા કરી દેશે.
-
ઓફલાઇન અરજીઃ
1. સ્ટેપ-1 સૌથી પહેલાં આપની નજીકની બેંક શાખામાં જાઓ.
2. સ્ટેપ-2 બેંકમાંથી એજ્યુકેશન લોન માટેનું અરજી ફોર્મ મેળવો.
3. સ્ટેપ-3 અરજી ફોર્મમાં તમને લાગૂ પડતી તમામ પ્રકારની માહિતી ભરો.
4. સ્ટેપ-4 અરજી પત્રને તમામ પ્રકારનાં ડોક્યુમેન્ટ્સ સાથે જોડીને બેંકમાં જમા કરાવો. જેથી તેઓ વેરિફિકેશન કરી શકે.
5. સ્ટેપ-5 બેંક આપની અરજીનું વેરિફિકેશન કરશે. અને જો બધું બરાબર હશે તો લોનની રકમ આપના ખાતામાં જમા કરવામાં આવશે.