વિદેશમાં MBBS કરવું એ ઘણાબધા વિદ્યાર્થીઓનું સ્વપ્ન હોય છે. પરંતુ તેમણે એડમિશન લેતાં પહેલાં યોગ્ય દેશની પસંદગી કરવી જોઈએ. જેથી તેમને ડોક્ટર બનવામાં કોઈ તકલીફ ન પડે.
અમદાવાદ
ભારતમાં મેડિકલ સીટોની ઓછી સંખ્યા તથા પ્રાઇવેટ કોલેજોની ખૂબજ મોંઘી ફીને કારણ નાછૂટકે વિદ્યાર્થીઓ MBBS કરવા માટે વિદેશની વાટ પકડે છે. ભારતીય વિદ્યાર્થીઓ મધ્ય એશિયાઈ દેશોથી લઈને યુરોપમાં મેડિકલ એજ્યુકેશન માટે જઈ રહ્યાં છે. ઘણાં દેશ એવા છે, જ્યાં વિદ્યાર્થીઓને ખૂબજ વ્યાજબી ખર્ચમાં MBBS કરવાનો મોકો મળે છે. આવો જ એક દેશ ભારતથી માત્ર 2500 કિલોમીટર દૂર આવેલો છે. જ્યાં ખૂબજ વ્યાજબી ખર્ચમાં MBBS કરી શકાય છે. અને આ દેશનું નામ છે કિર્ગિસ્તાન.
કિર્ગિસ્તાનની મેડિકલ કોલેજોમાં MBBS પ્રોગ્રામ ભારતની ‘નેશનલ મેડિકલ કમિશન’ (NMC)ની ગાઇડલાઇન્સ પર આધારિત છે. આ રીતે અહીંથી ડિગ્રી લેનાર વિદ્યાર્થીઓ સરળતાથી ‘ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન’ (FMGE) માટે માન્ય થઈ જાય છે. વિદેશથી MBBS કરનાર વિદ્યાર્થીઓને ભારતમાં પ્રેક્ટિસ કરવાની માન્યતા ત્યારે જ મળે છે, જદ્યારે તેઓ FMGEની પરીક્ષાને ક્લિયર કરે છે. કિર્ગિસ્તાનની એક સારી વાત એ પણ છે કે ત્યાં મેડિકલ કોર્સનો અભ્યાસ અંગ્રેજીમાં કરાવવામાં આવે છે.
કિર્ગિસ્તાનમાં MBBS કરવામાં કેટલો ખર્ચ આવે છે?
ભારતમાં પ્રાઇવેટ મેડિકલ કોલેજોમાંથી ડિગ્રી મેળવવા માટે આપનું બજેટ 60 લાખથી એક કરોડ રૂપિયા સુધી હોવું જોઈએ. પરંતુ કિર્ગિસ્તાનમાં આનાથી બિલકુલ ઉલ્ટું છે. અહીં મેડિકલ કોલેજ ખૂબજ ઓછી ફીમાં વિદ્યાર્થીઓને ડોક્ટર બનાવે છે. વાર્ષિક ટ્યુશન ફી 3 લાખથી 6 લાખ રૂપિયાની વચ્ચે હોય છે. આ રીતે સમગ્ર કોર્સ 15થી 30 લાખ રૂપિયા સુધીમાં પૂર્ણ થઈ જાય છે. મધ્ય એશિયાના આ દેશમાં MBBS કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, અહીં રહેવા ખાવાનો ખર્ચ ખૂબજ ઓછો આવે છે.
કેવી રીતે મળે છે એડમિશન?
કિર્ગિસ્તાનમાં એડમિશનની પ્રક્રિયા ખૂબજ સરળ છે. વિદ્યાર્થીઓએ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ કરેલ હોવું જરૂરી છે. તેમના ફિઝિક્સ, કેમેસ્ટ્રી તથા બાયોલોજીમાં 50 ટકા કરતાં વધુ માર્ક્સ હોવા જોઈએ. વિદ્યાર્થીને એડમિશન લેવા માટે NEET ની પરીક્ષા ક્વોલિફાઈ કરવી જરૂરી હોય છે. વિદ્યાર્થીની ઉંમર 17 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. જો કોઈપણ વિદ્યાર્થી આ શરતોને પૂરી કરે છે, તો તે સરળતાથી આ દેશમાં જઈને MBBS કરી શકે છે. અહીં MBBSનો કોર્સ છ વર્ષનો છે, જેમાં એક વર્ષની ફરજિયાત ઇન્ટર્નશિપ હોય છે.
માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીઝ
કિર્ગિસ્તાનની એક સૌથી સારી બાબત એ છે કે અહીંની મેડિકલ કોલેજોને દુનિયાની ઘણી સંસ્થાઓ દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલી છે. એમાં વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન (WFME), અમેરિકાનું એજ્યુકેશન કમિશન ફોર ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ (ECFMG), બ્રિટનની જનરલ મેડિકલ કાઉન્સિલ (GMC) તથા કેનેડાની મેડિકલ કાઉન્સિલ ઓફ કેનેડા (MCC) સામેલ છે. આ જ કારણ છે કે, અહીં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ ભારત સહિત દુનિયાના દરેક દેશમાં પ્રેક્ટિસ કરી શકે છે.