
CBSE દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ હવે આવતાવર્ષથી ધોરણ-10ની પરીક્ષા એકવાર નહીં, પરંતુ બે વાર લેવામાં આવશે. હવે વર્ષ 2026માં ફેબ્રુઆરીમાં અને મેમાં એમ બે વાર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી શકશે.
અમદાવાદ કેરિયર
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ-10ની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વાર કરાવવાના નિર્ણયને મંજૂરી આપી દેવામાં આવી છે. આવનારા વર્ષ 2026માં CBSE દ્વારા બોર્ડની પરીક્ષા બે વાર કરાવવામાં આવશે. વર્ષમાં પહેલી પરીક્ષા ફેબ્રુઆરી તથા બીજી પરીક્ષા મે મહિનામાં આયોજિત કરવામાં આવશે. ફેબ્રુઆરી મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ એપ્રિલમાં તથા મે મહિનામાં લેવાયેલ પરીક્ષાનું પરિણામ જૂન મહિનામાં જાહેર કરવામાં આવશે.

ધોરણ-10ની ફેબ્રુઆરી મહિનામાં આયોજિત થનારી બોર્ડ પરીક્ષામાં બેસવું દરેક વિદ્યાર્થીઓ માટે ફરજિયાત રહેશે. જ્યારે બીજીવાર મે મહિનામાં આયોજિત થનારી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી પોતાની ઇચ્છા અનુસાર બેસી શકે છે. પોતાના માર્ક્સમાં સુધારો કરવા માટે વિદ્યાર્થી ફરીવાર પરીક્ષા આપી શકે છે. નવા નિયમો અનુસાર ઇન્ટરનલ એસેસમેન્ટ વર્ષમાં એકજ વાર કરવામાં આવશે.
ક્યારે લેવાશે પરીક્ષા?
• પહેલાં અને બીજા ચરણની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ એકજ રહેશે અને તેમાં સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ થશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓનું બંને પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્ર પણ એકજ રહેશે.
• જો પરીક્ષા ફીની વાત કરીએ તો પહેલીવાર રજિસ્ટ્રેશન કરાવતી વખતે જ વિદ્યાર્થીએ બંને વખતની ફી ભરવાની રહેશે.
• CBSE બીજી પરીક્ષા દ્વારા એવા વિદ્યાર્થીઓને તક આપવા માંગે છે, જેઓ એકવાર પરીક્ષા આપ્યા બાદ પોતાના પરિણામમાં સુધારો કરવા માંગે છે.
કયા માર્ક્સને ફાઇનલ માનવામાં આવશે?
જો કોઈ વિદ્યાર્થી વર્ષની બંને પરીક્ષાઓમાં ભાગ લે છે, તો તેના તે માર્ક્સને ફાઇનલ ગણવામાં આવશે જે વધુ હશે. જો કોઈ વિદ્યાર્થીને પહેલી પરીક્ષામાં વધુ માર્ક્સ આવ્યા હશે અને બીજી પરીક્ષામાં ઓછા માર્ક્સ આવશે, તો તે વિદ્યાર્થીના પહેલી પરીક્ષાના માર્ક્સને ફાઇનલ ગણવામાં આવશે.
કયા વિદ્યાર્થીઓને બીજી વાર મોકો નહીં મળે?
વિદ્યાર્થીને વધુમાં વધુ ત્રણ વિષયમાં જ સારું પ્રદર્શન કરવાની પરવાનગી આપવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી પહેલી પરીક્ષામાં ત્રણ કે તેથી વધુ વિષયોમાં સામેલ નથી થયો તો તેને બીજી પરીક્ષામાં બેસવાનો મોકો નહીં મળે.

